Suresh Limbachiya

Librarian . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .“ Knowledge is Totally Free at the Library. Just Bring Your Own Container ”

જળશક્તિને જીવનશક્તિ તરીકે સ્વીકારીએ: મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત રાજ્ય

Posted by Suresh Limbachiya on 13/01/2012

 

જળશક્તિને જીવનશક્તિ તરીકે સ્વીકારીએ: મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત રાજ્ય

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જળશક્તિનો જીવનશક્તિરૂપે સમસ્ત જનજીવનમાં સાક્ષાત્કાર કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે અને જણાવ્યું છે કે, જળ-અછતની સમસ્યાનું દશ વર્ષમાં કાયમી નિવારણ કરીને આપણે જળસંગ્રહનું જનઅભિયાન સફળ બનાવવાની ક્રાંતિ કરી બતાવી છે. હવે જળના વૈજ્ઞાનિક વપરાશનો મહિમા પૂરી તાકાતથી પ્રસ્થાપિત કરવો છે.

સ્વર્ણિમ ગુજરાત જળશક્તિ ઉત્સવમાં ઉમંગભેર ઉમટેલી જનતાની શક્તિને આહ્વાન આપતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સરકારે પાણીની સુવિધા આપી પણ તેના વિતરણ માટે ગામે ગામ નારીશક્તિનું સામર્થ્ય કેટલું છે તેની વાસ્મોની લોકભાગીદારીથી વિતરણની યોજનાને વડાપ્રધાન અને યુનોના એવોર્ડ મળ્યા છે.

“હવે નર્મદાના પાણી માટેના વિતરણની તમામ વ્યવસ્થા ખેડૂતોની મંડળીઓને સોંપી દેવાની જાહેરાત” તેમણે કરી હતી.

ગુજરાતની સ્વર્ણિમ જયંતીની વિકાસયાત્રામાં પંચશક્તિ આધારિત પાંચ પ્રાદેશિક સ્વર્ણિમ શક્તિ ઉત્સવોની શ્રેણીનું શાનદાર સમાપન આજે રાજકોટમાં યોજાયેલા સૌરાષ્ટ્ર-કચ્છના સ્વર્ણિમ ગુજરાત જલશક્તિ ઉત્સવથી થયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના આઠેય જિલ્લાઓમાંથી જલશક્તિના સિદ્ધિ અભિયાનમાં સહિયારા પુરૂષાર્થથી જે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે તે જનશક્તિના સાક્ષાત્કારનું વિરાટ દર્શન આજે થયું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ જલશક્તિની સર્વાંગી વિકાસ સિદ્ધિઓની સાફલ્યગાથાની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ કરતું ભવ્ય પ્રદર્શન સતત એક કલાક સુધી નિહાળ્યું હતું.

ઉનાળાના ધોમધખતા મધ્યાહ્નમાં પણ ગુજરાત સરકારના જલશક્તિના ક્રાંતિકારી અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપનારી જનતા જનાર્દનની પ્રત્યે અંતઃકરણથી આભાર પ્રદર્શિત કરતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતના વિકાસમાં કેવી હરણફાળ ભરી તેનો હિસાબ જનતા સમક્ષ મુકવાના આ પંચશક્તિ આધારિત ઉત્સવોની સફળતાએ સામાન્ય માનવીમાં પણ વિકાસની ભાગીદારી કરવાનો વિશ્વાસ જગાવ્યો છે.

તેમણે જણાવ્યું કે, વ્યક્તિ, સંસ્થા, રાષ્ટ્રના પ૦ વર્ષની ઉજવણી તો અનેક થઇ છે. પરંતુ ગુજરાતે તો સ્વર્ણિમ જયંતી વર્ષમાં કઠોર પરિશ્રમનો રસ્તો લીધો. આખી સરકારની પૂરી તાકાત કામે લગાડી અને જનતા જનાર્દનમાં એવો વિશ્વાસ જગાવ્યો કે છ કરોડની જનશક્તિમાં કેટલું સામર્થ્ય પડયું છે તેને વિકાસમાં જોડીશું તો ગુજરાત કેટલી ઊંચાઇએ પહોંચી જશે.

આવતીકાલના ગુજરાત માટે આ સ્વર્ણિમ જયંતીના વર્ષે નવી શક્તિ પૂરી પાડી છે, એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, જળશક્તિના વિકાસના સહિયારા પુરૂષાર્થે ગુજરાતને જળ-અછતની સમસ્યાથી મુક્તિ અપાવી છે.

ગુજરાતની સ્થાપના વખતે જે પાણી પુરવઠાનું બજેટ હતું તેની સરખામણીમાં આજે જળશક્તિના કામો માટેનું બજેટ અનેકગણું વધારે છે તેની તુલના કરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, શરીરમાં જેમ ધમની અને શીરાથી લોહીના પરિભ્રમણથી માનવજીવન ધબકતું રહે છે એ જ રીતે પીવાના પાણીની વિશાળ પાઇપલાઇનો અને નહેરોનું ગુજરાતના ખૂણે ખૂણે નેટવર્ક ઉભું કરીને ગુજરાતના નાગરિક જીવનને ધબકતું રાખ્યું છે, વિકાસને ધબકતો રાખ્યો છે.

ગુજરાત સરકારે રાજ્યમાં ઉપલબ્ધ તમામ જળસંપત્તિના સ્ત્રોતોનો વૈજ્ઞાનિક ઉપયોગ કરવામાં આખા એક દશકામાં જળશક્તિનું અભિયાન સફળ બનાવ્યું તેના પરિણામોની ભૂમિકા આપતા જણાવ્યું કે, પાણીની તરફ ખેડૂતોએ ધ્યાન કેન્દ્રીત કરવાની આ સરકારની અપીલ ખેડૂતોએ સ્વીકારી અને ભૂતકાળમાં વીજળીના તાર પકડાવીને ખેડૂતોને બરબાદ કરેલા તે સ્થિતિ છોડીને આ સરકાર ઉપર ભરોસો મૂકી ખેતીને સમૃદ્ધ બનાવી છે.

પાણીના સમગ્ર પોતમાં ગુણાત્મક બદલાવ લાવવો છે અને એમાં જનતા જનાર્દનની શક્તિ પ્રેરિત કરવી છે એવો નિર્ધાર વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર કચ્છની બધી સૂકી નદીઓને નર્મદાના પાણીથી સાબરમતીની જેમ સજીવન કરવાની દિશા પકડી છે, એમ જણાવ્યું હતું.

પાણીની બચત અને જળસંચયને માનવતાનું કર્તવ્ય ગણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે જે પાણી આપણે વાપરીએ છીએ તે આપણા વડવાઓએ આપેલું છે. આપણે પાણીના સંગ્રહ માટેનું અભિયાન સફળ બનાવ્યું. હવે પાણીના વૈજ્ઞાનિક વપરાશ માટેનું જનઆંદોલન સફળ બનાવવું છે.

સૌરાષ્ટ્રમાં ગુજરાતના કુલ જળસંપત્તિના ૧૬ ટકા, કચ્છમાં બે ટકા અને ઉત્તર ગુજરાતમાં માત્ર ૧૧ ટકા છે ત્યારે જળશક્તિના ઉત્સવમાં વિરાટ જનશક્તિના સહકારથી જ ગુજરાત જળશક્તિને વિકાસની જીવનશક્તિ બનાવશે, એમ તેમણે જણાવ્યું હતું.

નાણા મંત્રી શ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનો જ્ઞાનશક્તિ, ઊર્જાશક્તિ, રક્ષાશક્તિ, જનશક્તિ અને જળશક્તિ એમ પંચશક્તિના સથવારે સર્વાંગી વિકાસ સાધ્યો છે. દશ વર્ષ પહેલાંનું ગુજરાતનું કૃષિ અને ખેતી સહિત વિકાસના દરેક ક્ષેત્રનું ચિત્ર આજે પલ્ટીને ઉજ્જવળ બન્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, નર્મદા અને મહી પરીએજ યોજના થકી ગુજરાતની સૂકી ધરતીની ખેતી અને પીવાના પાણીની તરસ છીપાવી છે. ગુજરાતના ગામડાનું ચિત્ર પાણી અને વીજળી અપાતા આજે સમૃદ્ધ બન્યું છે. મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતનાં ગામડાંઓનો અને રાજ્યનો સમતોલ વિકાસ કર્યો છે અને રાજ્યની વિકાસગાથાની દેશભરમાં નોંધ લેવાઇ છે. રાજ્યની આ વિકાસયાત્રાને આગળ ધપાવનાર મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને સક્રિય લોકભાગીદારી થકી લોકસમર્થન મળતું રહ્યું છે તે આજે પુરવાર થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રની ધરતીને પીવાનું પાણી અને ખેતીનું પાણી નર્મદા યોજના થકી પહોંચાડી નેવાના પાણી મોભે ચઢાવવા જેવી સિદ્ધિ આ સરકારે હાંસલ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

કૃષિ અને સહકાર મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતે સાધેલ સર્વાંગી વિકાસની દેશ-દુનિયા આજે નોંધ લઇ રહ્યું છે ત્યારે જનશક્તિના જળક્રાંતિના સંદેશાને જનજાગૃતિ દ્વારા આપણે ચરિતાર્થ કરશું. ગુજરાત આજે દેશનું વિકાસ એન્જીન બની ગયું છે ત્યારે વિવિધ રાજ્યોના મંત્રી, પ્રતિનિધિમંડળો અને કેન્દ્રીય આયોજન પંચના સભ્યો ગુજરાતના અભ્યાસે આવી રહ્યા છે.

ગુજરાતનું સ્વર્ણિમ જયંતી અવસરે કૃષિ ઉત્પાદન પ૦ હજાર કરોડે પહોંચાડયું છે અને રાજ્યના કિસાનોને આર્થિક રીતે પગભર બનાવ્યા છે. મુખ્ય મંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિના કારણે આજે રાજ્યમાં ચાર કૃષિ યુનિવર્સિટીના નિર્માણ દ્વારા તજજ્ઞોના સંશોધનો ગામડે ગામડે કૃષિ મહોત્સવના માધ્યમ દ્વારા પહોંચાડયા છે જેના પરિણામે ગુજરાતે કૃષિ વિકાસદર ૧૦ ટકાથી વધુ હાંસલ કરીને સમગ્ર દેશને નવો રાહ આપ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

જળસંચય-જળસિંચન અભિયાનને આ સરકારે પ્રાધાન્ય આપ્યું છે. ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં ટેન્કરો દ્વારા પીવાનું પાણી પુરું પડાતું હતું. આજે મુખ્ય મંત્રીશ્રીની દઢ ઇચ્છાશક્તિને કારણે ટેન્કરમુક્ત ગુજરાત બન્યું છે. નર્મદા યોજનાની હજારો કિલોમીટર લાંબી પાઇપલાઇનો નાખીને શુદ્ધ પીવાનું પાણી આ ધરતીને પુરું પાડવાનું કામ કર્યું છે. સ્ત્રી સશક્તિકરણ માટે ૧પ લાખ બહેનોને સખીમંડળોના માધ્યમ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નર્મદા, જળસંપત્તિ મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આવકાર પ્રવચનમાં પંચશક્તિ થીમ આધારિત વિકાસયાત્રાનો ચિતાર રજૂ કરતાં કહ્યું કે, સ્વર્ણિમ જયંતીના આ ઐતિહાસિક અવસરે વિકાસયાત્રામાં પ્રજાને સહભાગી બનાવી જે નવા આયામો સર કર્યા છે તેની દેશ અને દુનિયાએ નોંધ લીધી છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ નેતૃત્વ હેઠળ જળક્રાંતિના નિર્માણ થકી રાજ્યની છ કરોડ જનતા પૈકીની ૩.પ કરોડની જનતાને નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી પુરું પાડયું છે. છેલ્લા ૧૦ વર્ષમાં જળસંચય, જળવ્યવસ્થાપન માટે અબજો રૂપિયાના બજેટ ફાળવીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના કારણે આજે કચ્છ અને સૌરાષ્ટ્ર નંદનવન બન્યું છે.

તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં કચ્છ, સૌરાષ્ટ્રની સૂકી ધરતી પર દુષ્કાળના ઓળા દેખાતા હતા તે આજે નર્મદા મૈયાની લાખો કિલોમીટરની લાઇનો નાંખીને શુદ્ધ પીવાનું પાણી પુરું પાડી દુષ્કાળ આજે ભૂતકાળ બની ગયો છે. લોકો રોજીરોટી માટે હિજરત કરતા હતા. તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના ભૂતકાળની સરકારોની ભૂલોના કારણે આજે પૂર્ણ થઇ નથી. પરંતુ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સપનું હતું કે, મારી ગુજરાતની પ્રજાનું પાણીનું સંકટ દૂર કરવા માટે નર્મદા બંધની ઊંચાઇ ૧ર૧.૯ર મીટર લઇ જવા માટે દેશના કોઇ મુખ્ય મંત્રી ઉપવાસ પર ન બેઠા અને આપણા નરેન્દ્રભાઈએ આમરણાંત ઉપવાસ કરીને નર્મદાબંધની ઉંચાઇ વધારવાનો નિર્ણય કેન્દ્રને લેવો પડયો જેના કારણે આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની ધરતીને નર્મદા મૈયાના પાણીથી નંદનવન બનાવ્યા છે.

Advertisements

Please write your valuable opinion. આપના અભિપ્રાય ની રાહ જોઉં છુ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s